Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Wednesday, 31 July 1985

કેમ કરું સપનામાં સાથ ?

આજ શ્રાવણ ને સરવડે
મારૂં મન રોયું  -

તારા તન ને તરસતા
મેં તો જીવન જોયું  ;

તારી , ફરી ફરી ને એકજ વાત
" સાજન , કરી લે સપનામાં સંગાથ ",

પણ કેમ કરું સપનામાં સાથ  ?

મધરાતે કોયલ બોલી
,ને
મારી આંખડી ખોલી ,

ત્યારે મન મૂકી ને આભ વરસતું , 'તું
ડુંગર ની ધારે ધારે ,
આભ ગરજતું 'તું ,

અનરાધારે વાદળ વરસ્યું
પણ મારું મન
ચાતક - તરસ્યું .

----------------------------------

Sanand

Tuesday, 30 July 1985

આવજે વ્હેલો , વાલમ

આજે
હરિયાળી ધરતી છે તરસી  -

" આવજે વ્હેલો , વાલમ "
કહીને ,
આંખે થી વરસી ;

મેં  કહ્યું ,

" તું સારસી મારી
  હું તારો મલ્હાર ,
  આવું તો પણ કેમ કરીને ,
  તારા બંધ દુવાર "

પણ તને અહર્નિશ આશા ,
ભવસાગર ને સામે કાંઠે
મળવાની અભિલાષા  !

હું કેમ કરી ને આવું ?
મારી નૌકા
નામ - નિરાશા !

ઉઘાડી આંખના સપનામાં
મેં સાંભળ્યું સાચું ?

" પ્રિતમ, વ્હેલો આવજે "

----------------------

Ahmedabad  /  30  July  1985


Monday, 29 July 1985

ભગવાન , તું મારો પુત્ર છે

ભગવાન
તૂ મારો અપરાધિ !

મેં તને જન્મ  દીધો ,
તે મને મોત .

પળપળ સળગતું - જીવતું મોત
'ને મારી પ્રિયાના પ્રેમ માં
" પાપ " ની પ્રદૂષિત ભાવના
કોણે પૂરી  ?

તેંજ તો .

તને હું કદી માફ નહિ કરી શકું ,
એ જાણવા છતાં કે
મારી માફી ની કે મારા શ્રાપ ની
કદાચ તને કશી પડી નથી ,

કદાચ એ જાણી ને
કે
હું તને કદી મોત નહિ આપું  ?

કારણ કે
મેં તને જન્મ દીધો છે ,
કારણ કે
તું મારો પુત્ર છે  !

'ને
મારૂં મોત , તારું દીધેલું છે !

-------------------------------------

Ahmedabad
Tuesday, 23 July 1985

જૂનાં શું ખોટા છે ?

મારી નજર સામે કોઈ ભાવિ નથી
ફક્ત અંધકાર જ અંધકાર છે .

તેથી જ તો હું વારંવાર
ભૂતકાળ માં
ભૂલો પડી જાઉં છું ,

જ્યાં સુખદ એવી
સ્મૃતિઓ કેવી ,
દટાએલી પડી છે .

ગામ ને પાદર
ભૂલાતા જતાં
પાળિયા ઓ જેવી ,

'ને તું ?

અતીત ને જાણે
ભૂલી જવા માગતી ના હોય
તેમ જાણી જોઈ ને
મોઢું ફેરવી લ્યે છો  !

તારી સામે તો
આ ભવ પછી ,
અનેક ભવોની વાટ
રાહ જોતી ઉભી છે  -

જ્યાં હું ઉભો છું ?

તને શું દેખાય છે
ભાવિની ભીતર માં ?

નવો અવતાર ?
નવા બંધનો ?
નવી ભૂલ ?
નવા પાપ ?

જૂનાં શું ખોટા છે ?

------------------------------

Ahmedabad  /   23  July  1985

Monday, 8 July 1985

એક વાદળી માટે ઝંખુ

એ ખરું કે
મને કોઈએ કહ્યું ન્હોતું -

બાવન માં થી બહાર પડવાને ટાંકણે
બાવીસ દિવસ નો વનવાસ તો મેં
જાતે , સામે ચાલી , જાણી જોઈ
વ્હોરી લીધો  ;

પણ મારા મન નું કારણ
કોને , કેમ કરી કહું  ?

મારા ઓઠ પર
પટ્ટીઓ જ મારવા ની બાકી રહી છે ,
બાકી તો મૌન જ મૌન છે .

'ને જો તને શરમ આવતી હોય
તો સવાર સાંજ
કાળા ચશ્માં પહેરી રાખું !

જીવ તો અમસ્તોય
રૂંધાય છે ,
ગૂંગળાય છે ,
ભીંસાય છે .

પણ તને તો મારો
શ્વાસ પણ સંભળાય છે ?

હું તો એક પ્રતિક માટે ઝંખુ
એક symbolic gesture માટે -

વૈશાખ ની આ બળબળતી બપોરે 

એક વાદળી માટે ઝંખુ .

--------------------------------Sanand  /   08 July  1985


Tuesday, 2 July 1985

પણ ક્યાં સુધી ?

આ કેવો રસ્તો ?

ન તો પાછાં ફરાય
કે ના આગળ વધાય  !

માંડ માંડ વાદળ વરસ્યું ,
તો મરૂભોમ માં  -

ન તો સરવાણી થાય
કે ના તલાવડી ભરાય  !

ધીખતી ધરતી માં પાણી
ધરબાઇ જાય  -

જાણે તારી નજર
'ને મારું પ્યાસું મન  -

એવું તરસ્યું
કે તારા નેણ ના
એક એક કરી
પલકારા ગણું ,

'ને તારા ઓઠ ફફડે તો
એક એક કરી
પડતાં વેણ ને ઝીલું

આ રસ્તા ની ચોકડી એ
તારી રાહ તો જોઉં
પણ ક્યાં સુધી ?

-----------------------------

Sanand   /   02  July  1985


Monday, 1 July 1985

ખૂબ મૂંઝાયો છું

આકાશ માં દિશા નથી ,
રસ્તા નથી ,
Dead-End નથી  -

તેથી સ્તો
વાદળું એકલું છતાં
ભૂલા પડી જવાનો ડર નથી ,
રસ્તા નો અંત આવી જવાનો
ભય નથી  :

પણ હું તો આ ધરતી નું પ્રાણી ,

અહીં તો અનેક દિશાઓ છે ,
આડી અવળી
ઉલટી સુલટી
સીધી ઉંધી ,

'ને રસ્તાઓ પણ કંઈ પાર વિનાના છે  -
બહુ ઓછા ,
સીધા , સરલ , સપાટ  ;

જાજુ કરીને ,
વાંકા , ચુંકા , ખડબચડા
'ને ગૂંથણી એવી
માનવ સમાજની
ભૂલ ભૂલામણી જેવી  !

હું તો બહુ ફસાયો છું !
જાણે કરોળિયા ની જાળ માં
જકડાયો છું !

જેમ જેમ માર્યા ફાંફાં
તેમ તેમ
ગુંચવાયો છું !

તારા પ્રેમ ના બંધન માં
હવે હું
ખૂબ મૂંઝાયો છું  !

----------------------

Sanand